Friday, August 14, 2020

ઈસ્ટ ઈન્ડિયા કંપનીના આગમનથી લઈને અંગ્રેજોની વિદાય દરમિયાન શું-શું ઘટનાક્રમ સર્જાયો, કેવી રીતે આપણે ગુલામ બન્યા અને કેવી રીતે મળી આઝાદી?

સમગ્ર દેશ 15 ઓગસ્ટ 2020ના દિવસે 74મો સ્વાતંત્ર્ય દિન મનાવી રહ્યો છે. આઝાદી પછી ભારતે કઈ રીતે પ્રગતિની હરણફાળ ભરી તેની કથાઓ આપણે વિભિન્ન સ્વરૂપે વારંવાર સાંભળીએ છીએ. પરંતુ આઝાદી પૂર્વેની કહાનીમાં ઐતિહાસિક ઘટનાક્રમોનો તાળો મેળવવો એટલો આસાન નથી. ખાસ કરીને કોંગ્રેસ અને ભાજપ પરસ્પર દોષારોપણ કરે અને પોતપોતાની રીતે ઈતિહાસ દર્શાવે ત્યારે સત્ય તારવવું બહુ જ દુષ્કર બની જાય. હવે તો દેશના સપૂતો અને મહાપુરુષોને પણ વિવિધ પક્ષોના મુખવટા બનાવી દેવાયા છે ત્યારે આઝાદીની લડતની વાત પણ ગૂંચવડાભરી બની જાય છે. સરવાળે નવી પેઢીના ભારતીયો સમક્ષ ઈતિહાસની બહુ ધૂંધળી તસવીર ઉપસે છે અને યુવાઓની જાણકારી યા તો એકપક્ષીય બની જાય છે અથવા તો તદ્દન વિરોધાભાસી અને અસ્પષ્ટ.
અહીં અમે વિખ્યાત ઈતિહાસકાર પુષ્પેશ પંત પાસેથી ભારતના ઈતિહાસ વિશે એવી કડીબદ્ધ અને આધારભૂત વિગતો મેળવી જેનો ઉલ્લેખ અનિવાર્ય ગણાય. એથી તમે સંક્ષિપ્તમાં સમજી શકશો કે આપણાં પૂર્વજોએ કેવો સંઘર્ષ કરીને આપણાં વર્તમાનને ઉજાળ્યો છે.

1. ઈસ્ટ ઈન્ડિયા કંપનીના આગમનથી પ્લાસી (1600-1757): આઝાદીનું મૂલ્ય સમજવા માટે ગુલામી બનવાના કારણ પણ તલાશવા પડશે. ઈસ. 1600માં બ્રિટિશ મહારાણી પાસેથી વિદેશમાં વેપારનો પરવાનો મેળવીને ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું ભારતમાં આગમન થયું ત્યાં સુધીમાં ભારતમાં ફ્રેન્ચ, પોર્ટુગિઝ અને ડચ લોકો પોતાનો પગ જમાવી ચૂક્યા હતા.

  • ભારતના સુતરાઉ કાપડ, રેશમ, મરી, લવિંગ, એલચી અને ખાંડ યુરોપ જવા માંડ્યા હતા. ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું પ્રથમ જહાજ ઈસ. 1608માં સુરત નજીક સુંવાળી ગામના દરિયાકાંઠે લાંગર્યું એ સાથે નવા યુગનો આરંભ થયો. અંગ્રેજોએ શરૂઆતમાં પોર્ટુગિઝને મુખ્ય દુશ્મન ગણીને ડચ વેપારીઓની મદદ લીધી અને પોર્ટુગિઝોને પાછા હટાવ્યા.
  • અંગ્રેજોએ તત્કાલીન મુઘલ બાદશાહ જહાંગીર સાથે સંબંધો મજબૂત બનાવ્યા અને યુરોપની મોંઘી ચીજવસ્તુઓ ભેટ ધરીને તેમના માનીતા બન્યા. જહાંગીરના દરબારમાં સ્થાન મેળવ્યા પછી અંગ્રેજોએ કૂટનીતિ ચાલુ કરી અને વહીવટી બાબતોમાં દખલગીરી શરૂ કરી દીધી.
  • મુઘલ સામ્રાજ્ય પાસેથી કંપનીએ ટેક્સમાં છૂટછાટો મેળવી લીધી હતી. હવે તો કંપનીના અધિકારીઓ પણ વ્યક્તિગત ધંધો કરવા લાગ્યા હતા અને તેઓ પણ કંપનીના નામે ટેક્સની છૂટનો લાભ લેતા હતા. બંગાળના નવાબ સિરાઝુદ્દૌલાએ તેનો વિરોધ કર્યો. કલકત્તામાં બ્રિટિશ સંપત્તિ પર કબજો મેળવી લીધો અને ગેરકાયદે વેપાર સાથે સંકળાયેલા કંપનીના અધિકારીઓની ધરપકડ કરી.
  • એ વખતે મદ્રાસ (હાલનું ચેન્નાઈ) ઈસ્ટ ઈન્ડિયા કંપનીનો ગઢ બની ચૂક્યું હતું. ત્યાંથી રોબર્ટ ક્લાઈવ તગડી નૌસેના લઈને કલકત્તા પહોંચ્યો અને 1757માં પ્લાસીના મેદાનમાં નિર્ણાયક યુદ્ધ લડીને નવાબ સિરાજુદૌલાને હરાવ્યો. એ યુદ્ધમાં નવાબના સેનાપતિ મીર ઝાફરે ક્લાઈવના ઈશારે દગો કર્યો હતો. નવાબના મોત પછી ક્લાઈવની મહેરબાનીથી મીર ઝાફર બંગાળનો નવાબ બન્યો.
  • 1757માં પ્લાસીના યુદ્ધમાં કંપનીને નિર્ણાયક જીત મળી હતી. આ પેઈન્ટિંગ ફ્રાન્સિસ હેમેને દોરેલું છે.
  • પ્લાસીના યુદ્ધમાં જીત પછી અંગ્રેજોએ એક મેમોરિયલ બનાવ્યું હતું. કેટલાંક વર્ષો પહેલાં ત્યાં હવે પરાજિત નવાબ સિરાજુદ્દૌલાની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. જેથી નવી પેઢી એ જાણી શકે કે અંગ્રેજો સામે સમગ્ર દેશમાં સૌ પ્રથમ અવાજ ઊઠાવનારો સિરાજુદ્દૌલા હતો, જે પોતાના જ સેનાપતિ મીર જાફરની દગાખોરીના કારણે મોતને ભેટ્યો હતો.
    1757માં પ્લાસીના યુદ્ધમાં કંપનીને નિર્ણાયક જીત મળી હતી. આ પેઈન્ટિંગ ફ્રાન્સિસ હેમેને દોરેલું છે.
પ્લાસીના યુદ્ધમાં જીત પછી અંગ્રેજોએ એક મેમોરિયલ બનાવ્યું હતું. કેટલાંક વર્ષો પહેલાં ત્યાં હવે પરાજિત નવાબ સિરાજુદ્દૌલાની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. જેથી નવી પેઢી એ જાણી શકે કે અંગ્રેજો સામે સમગ્ર દેશમાં સૌ પ્રથમ અવાજ ઊઠાવનારો સિરાજુદ્દૌલા હતો, જે પોતાના જ સેનાપતિ મીર જાફરની દગાખોરીના કારણે મોતને ભેટ્યો હતો.

2. પ્રથમ સદી અને પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ (1757-1857): બહુ ઝડપથી રોબર્ટ ક્લાઈવને સમજાઈ ગયું કે મીર જાફર કઠપુતળી નવાબ હોવા છતાં પોતે જ ખરી સત્તા પ્રાપ્ત ન કરે ત્યાં સુધી પ્રગતિ થવાની નથી. સમૃદ્ધ ભારતના રસકસ ઝડપભેર ચુસવા હોય તો સત્તા પોતાના હાથમાં જ હોવી ઘટે એવી ગણતરીથી ક્લાઈવે 1765માં મીર ઝાફરને પણ ખતમ કર્યો અને નવાબી શાસન પોતે સંભાળી લીધું. દિલ્હીના મુઘલ બાદશાહે કંપનીને જ બંગાળના દિવાની હકો આપી દીધા અને એ પછી કંપની બહાદુર શબ્દપ્રયોગ થવા લાગ્યો.

  • એ વખતે અંગ્રેજો સામે બે પડકારો મુખ્ય હતા. દક્ષિણમાં ટીપુ સુલતાન અને વિંધ્યના દક્ષિણ વિસ્તારમાં મરાઠાઓ. ટીપુએ ફ્રેન્ચ વેપારીઓ સાથે સુલેહ કરી લીધી હતી અને તેમની મદદથી એ પોતાના સૈન્યને આધુનિક બનાવી રહ્યો હતો. જ્યારે દિલ્હી સર કરીને સમગ્ર દેશ પર શાસન કરવાની મરાઠાઓની મહેચ્છા કોઈથી અજાણ ન હતી.
  • કંપની સરકારે ટીપુ અને તેના પિતા હૈદરઅલી સાથે 4 યુદ્ધો કર્યા. ટીપુએ અંગ્રેજોનો મક્કમ સામનો કર્યો, પણ આખરે એ 1799માં શ્રીરંગપટ્ટણમના યુદ્ધમાં માર્યો ગયો. એ જ રીતે, પાણીપતના ત્રીજા યુદ્ધમાં અહમદશાહ અબ્દાલી સામે મરાઠાઓનો પરાજય થયો. એ પછી શક્તિશાળી મરાઠા સામ્રાજ્ય બે ટુકડામાં વહેંચાઈ ગયું. મરાઠાઓ કદી એકજૂટ અને તાકાતવાન ન બને એ માટે અંગ્રેજોએ પેશવાઈને ખાલસા કરીને પેશવાને પુણેથી કાનપુર નજીક બિઠુર સ્થાયી થવાની ફરજ પાડી.
  • દરમિયાન પંજાબના શીખ મહારાજા રણજીતસિંહ નવો પડકાર ઊભો કરી રહ્યા હતા. રણજીતસિંહની હયાતિ સુધી અંગ્રેજોના હાથ અને પગ બંને બંધાયેલા રહ્યા હતા. 1839માં તેમના અવસાન બાદ સ્થિતિ અચાનક બદલાઈને અંગ્રેજોની તરફેણમાં આવી ગઈ અને બીજા દસ વર્ષમાં તો સમગ્ર પંજાબ અંગ્રેજોના હાથમાં આવી ગયું.
  • 1848માં લોર્ડ ડેલહાઉસીએ ખાલસા નીતિ દાખલ કરી. જે શાસકને વારસદાર તરીકે સંતાનમાં દીકરો ન હોય તેની રિયાસત કંપની સરકારમાં ખાલસા કરી દેવાનો નિયમ લાવવામાં આવ્યો. આ નિયમ હેઠળ સતારા, સંબલપુર, ઉદયપુર, નાગપુર અને ઝાંસી જેવા શક્તિશાળી રાજ્યો અંગ્રેજોએ પડાવી લીધા, જેણે છેવટે 1857ના વિપ્લવની ચીનગારી ચાંપી.
  • ઈતિહાસકાર સીતારામ પાંડેએ પોતાના પુસ્તક ફ્રોમ સિપોય ટૂ સુબેદારમાં લખ્યું છે કે, એ વખતે દરેકની એવી લાગણી હતી કે અંગ્રેજો ભારતીય ધર્મોનો આદર નથી કરતાં અને સૌને ધર્મભ્રષ્ટ કરીને ખ્રિસ્તી બનાવવા ચાહે છે. હિન્દુ અને મુસ્લિમ બંનેમાં આ લાગણી એકસમાન હતી. એ નારાજગી અને કચવાટ વચ્ચે એવી અફવા ચગી કે અંગ્રેજી સૈન્ય માટે વપરાતી એનફિલ્ડ રાયફલના કારતૂસ પર ગાય અને સુવરની ચરબી લગાડેલી છે, જે મોં વડે તોડવી પડે અને એમ કરવાથી હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મભ્રષ્ટ થાય. આ અફવાએ કંપની સરકારના સૈન્યમાં કાર્યરત હિન્દુ-મુસ્લિમોમાં વ્યાપક અસંતોષ ઊભો કર્યો.
  • 1857ના વિપ્લવમાં મેરઠના બગાવતી મંગલ પાંડેને ફાંસીએ ચડાવી દેવાયો, પરંતુ મંગલ પાંડેની શહાદતે દેશભરમાં વિપ્લવની ચીનગારીને વિકરાળ સ્વરૂપ આપી દીધું. પછી તો ઝાંસી, અવધ, દિલ્હી, બિહારમાં પણ ક્રાંતિની હવા પ્રસરી ગઈ. રાણી લક્ષ્મીબાઈ, બહાદુરશાહ ઝફર, નાનાસાહેબ વ.એ મળીને એકસાથે બગાવત કરી નાંખી અને અંગ્રેજોને ભાગવું ભારે થઈ પડ્યું.
  • 1765માં મુઘલ બાદશાહ શાહ આલમે રોબર્ટ ક્લાઈવને બંગાળની દિવાની સોંપી હતી. એથી કંપનીને બંગાળ, બિહાર અને આજના ઓડિશામાં મહેસુલ ઉઘરાવવાના અધિકાર મળ્યા હતા. આ પેઈન્ટિંગ બેન્જામિન વેસ્ટે 1818માં બનાવ્યું હતું.
    1765માં મુઘલ બાદશાહ શાહ આલમે રોબર્ટ ક્લાઈવને બંગાળની દિવાની સોંપી હતી. એથી કંપનીને બંગાળ, બિહાર અને આજના ઓડિશામાં મહેસુલ ઉઘરાવવાના અધિકાર મળ્યા હતા. આ પેઈન્ટિંગ બેન્જામિન વેસ્ટે 1818માં બનાવ્યું હતું

3. મહારાણીના શાસનથી ગાંધી સુધી (1858-1915): વિપ્લવકારીઓને પરાસ્ત કરવા કંપનીએ ઈંગ્લેન્ડથી ફોજ બોલાવી. સપ્ટેમ્બર 1857માં દિલ્હી ફરીથી અંગ્રેજોના કબજામાં આવ્યું. માર્ચ 1858માં લખનૌ, જુન 1858માં ઝાંસી પર અંગ્રેજોએ વિપ્લવીઓને પરાસ્ત કર્યા. એ પછી બ્રિટિશ સંસદે કાયદો પસાર કરીને ભારત પર ઈસ્ટ ઈન્ડિયા કંપનીના શાસનને ખતમ કર્યું અને મહારાણીના હાથમાં સત્તાનો દૌર આવ્યો.

  • બ્રિટિશ મંત્રીમંડળના ઉચ્ચ સભ્યને ભારતના વિભાગના મંત્રી બનાવવામાં આવ્યા, જેને હિન્દી વજીર તરીકે ઓળખવામાં આવતા હતા. તેમની મદદ માટે ઈન્ડિયા કાઉન્સિલ બનાવવામાં આવી. કંપની સરકાર વખતે જે ગવર્નર જનરલ હતો એ હવે વાઈસરોય તરીકે ઓળખાતો હતો જે બ્રિટિશ તાજનો પ્રતિનિધિ હતો. એ રીતે અંગ્રેજ સરકારે સીધી રીતે જ ભારતનું શાસન પોતાના હાથમાં લઈ લીધું.
  • 1858માં જ્યારે બ્રિટિશ રાજ આવ્યું ત્યારે તેના કબજામાં આજના ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને બર્મા હતા. એ જ રીતે ગોવા અને દાદરા નગર હવેલી પોર્ટુગલ કોલોની ગણાતા હતા. જ્યારે પોંડીચેરી પર ફ્રેન્ચ કબજો હતો.
  • બ્રિટિશ શાસન આવ્યા પછી પૂર્વ-પશ્ચિમ અને દક્ષિણના અનુક્રમે કલકત્તા, મુંબઈ અને મદ્રાસ વેપાર-ઉદ્યોગ તેમજ શિક્ષણના મુખ્ય કેન્દ્રો તરીકે વિકસિત થયા. મુંબઈ નજીક હોવાથી પુણેનો પણ વિકાસ થયો. એ જ અરસામાં સામાજિક સુધારાનો દૌર પણ ચાલ્યો.
  • ડિસેમ્બર 1885માં રિટાયર્ડ બ્રિટિશ અધિકારી બ્રિટિશ શાસન અને શિક્ષિત સંભ્રાંત ભારતીયો વચ્ચે કડીરૂપ બનવાના હેતુથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કરી. તેમનો ઉદ્દેશ શાસન તરફી ભારતીય માનસ ઘડવાનો જ હતો.
  • એ અરસામાં સુરેન્દ્રનાથ બેનરજી કલકત્તામાં, મહાદેવ ગોવિંદ રાનડે પુણેમાં જાહેરજીવનમાં સક્રિય હતા. પ્રાર્થના સમાજ, આર્યસમાજ જેવા સંગઠનોએ પ્રભાવ ઊભો કર્યો હતો. 1906માં ઢાકામાં મુસ્લિમ લિગનો જન્મ થયો. આ દરેક પરિબળો સમય જતાં સામાજિક, ધાર્મિક અને રાજકીય જાગૃતિનું નિમિત્ત બન્યા.
  • 1905માં લોર્ડ કર્ઝને બંગાળના ભાગલાનો નિર્ણય લીધો એથી બંગાળ સહિત સમગ્ર દેશમાં આક્રોશ ફાટી નીકળ્યો. કોંગ્રેસે અંગ્રેજોની ભાગલા પાડો અને રાજ કરોની નીતિ સામે દેશભરમાં અવાજ ઊઠાવ્યો અને જનજાગૃતિ ઊભી કરી. બંકિમચંદ્ર લિખિત વંદેમાતરમ કોંગ્રેસનું રાષ્ટ્રગીત બન્યું અને આનંદમઠના આ ગીતને કવિવર ટાગોરે સ્વરબદ્ધ કર્યા પછી એ દેશભરમાં રાષ્ટ્રીય ચેતનાના પ્રતીક તરીકે ગૂંજી ઊઠ્યું.
  • બંગાળમાં કલકત્તા સહિત સર્વત્ર વિદેશી કાપડની હોળી થવા લાગી અને સમગ્ર દેશમાં બંગભંગ આંદોલને જુવાળ જગાવ્યો. પુણે, મદ્રાસ અને મુંબઈમાં પણ ક્રાંતિની હવા પ્રસરી. અંગ્રેજી શિક્ષણનો પણ વિરોધ થયો. તેના જવાબ તરીકે પંડિત મદનમોહન માલવિયાએ 1910માં બનારસ હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના કરી.
  • દરમિયાન બ્રિટનમાં પણ હવે સંજોગો બદલાઈ રહ્યા હતા. 1906માં લિબરલ પાર્ટી સત્તા પર આવી અને ભારત પ્રત્યેનો બ્રિટનનો સમગ્ર દૃષ્ટિકોણ બદલાવા લાગ્યો. ભલે એ સમયે બ્રિટન ભારત પરનું શાસન મૂકવા તૈયાર ન હતું, પરંતુ થોડીક છૂટછાટો મળવા લાગી. વાઈસરોય મિન્ટો અને ભારત વિભાગના મંત્રી જ્હોન મોર્લેએ સુધારા લાગુ કર્યા અને ભારતીયોને રાજકારણ તેમજ વહીવટમાં સામેલ થવાની મંજૂરી આપી.
  • 1910માં સુપ્રીમ કાઉન્સિલમાં ભારતીય સભ્યોની સંખ્યા વધારવામાં આવી. ગોપાલકૃષ્ણ ગોખલે જેવા નેતાઓને તેમાં સ્થાન મળ્યું. એ અંગે તેમણે કહ્યું હતું કે, અત્યાર સુધી આપણે બ્રિટિશ શાસન પર બહારથી હુમલો કરતા હતા, હવે અંદરથી પણ કરી શકીશું.
  • જોકે 1907માં કોંગ્રેસનું જહાલ અને મવાળ એમ બે પક્ષે વિભાજન થતાં રાષ્ટ્રીય આંદોલનમાં અડચણ આવી. મવાળ પક્ષ બ્રિટિશ તાજનું સમર્થન કરીને છૂટછાટો મેળવવાનો સમર્થક હતો જ્યારે જહાલ પક્ષના નેતાઓ લાલ, બાલ અને પાલ એટલે કે લાલા લજપતરાય, બાલ ગંગાધર ટિળક અને બિપિનચંદ્ર પાલ સંઘર્ષના રસ્તે પૂર્ણ સ્વરાજના સમર્થક હતા.
  • તિલકે ક્રાંતિકારી તરુણો ખુદીરામ અને પ્રફુલ્લ ચાકી જસ્ટિસ કિંગ્સફર્ડની હત્યા કરવાના હેતુથી બોમ્બ ફેંકવાના પ્રયાસનું સમર્થન કર્યું. એ બદલ તેમને બર્માની જેલમાં મોકલી દેવાયા. એ પછી સશસ્ત્ર ક્રાંતિના હિમાયતી અરવિંદ ઘોષે પણ ક્રાંતિના પ્રયાસો ત્યાગીને આધ્યાત્મનો માર્ગ પસંદ કરી લીધો. પરિણામે ઉગ્ર બની રહેલું રાષ્ટ્રવાદી આંદોલન ઝડપભેર ઠરવા લાગ્યું. 1928માં અંગ્રેજોએ કરેલ લાઠીચાર્જમાં લાલા લજપતરાય મૃત્યુ પામ્યા.
  • 1911માં લોર્ડ મિન્ટોની જગ્યાએ લોર્ડ હાર્ડિન્જની નિમણૂંક થઈ. તેણે બંગાળના ભાગલા રદ કર્યા પરંતુ બિહાર અને ઓરિસ્સાને અલગ પ્રાંત જારી રાખ્યા. રાજધાની પણ કલકત્તાથી દિલ્હી ખસેડી લીધી. દરમિયાન, મુસ્લિમ લીગની માગણીથી પ્રતિનિધિ સભામાં કેટલીક બેઠકો મુસ્લિમો માટે અનામત રાખવામાં આવી. હિન્દુ અને મુસ્લિમો વચ્ચે ખાઈ ઊભી કરવામાં આ પ્રથમ અને નિર્ણાયક પગલું હતું.
    કોંગ્રેસના વિભાજન પછી જહાલવાદી નેતાઓ લાલા લજપતરાય, બાલ ગંગાધર ટિળક અને બિપિનચંદ્ર પાલની ત્રિપુટી લોકપ્રિય હતી

4. મહાત્મા ગાંધીથી આઝાદીની લડાઈ સુધી (1915-1947): 1915માં મોહનદાસ કરમચંદ ગાંધી આફ્રિકાથી ભારત આવ્યા ત્યારે આફ્રિકાના સત્યાગ્રહ માટે તેઓ વિખ્યાત થઈ ચૂક્યા હતા. રંગભેદી આંદોલનની સફળતાનું શ્રેય તેમના ફાળે ગણાતું હતું. ગોખલેની સલાહથી તેમણે એક વર્ષ સુધી ભારતભ્રમણ કર્યું અને દેશની સ્થિતિનો ચિતાર મેળવ્યો.
એ પછી તેઓ ચંપારણના ગળી સત્યાગ્રહ અને ખેડાના ના-કર આંદોલન સાથે જોડાયા. 1919માં રોલેટ એક્ટ સામે સૌ પ્રથમ સત્યાગ્રહ કર્યો. બ્રિટિશ શાસન સામે સમગ્ર દેશ જોડાયો હોય એવું એ પ્રથમ આંદોલન હતું.
આંદોલન ડામી દેવા માટે બ્રિટિશ અધિકારીઓ કોઈ કચાશ ન છોડી અને દમનનો કોરોડો વિંઝ્યો. એપ્રિલ 1919માં વૈશાખીના દિવસે જલિયાંવાલા બાગ ખાતે અહિંસક વિરોધ કરી રહેલાં લોકો પર જનરલ ડાયરે ગોળી ચલાવી જેમાં બિનસત્તાવાર આંક પ્રમાણે 1600 લોકો માર્યા ગયા.
જલિયાંવાલા બાગ હત્યાકાંડ અને ખિલાફત આંદોલનની સમાંતરે 1920માં અસહકાર આંદોલન શરૂ થયું. સ્વદેશી આંદોલને પણ વેગ પકડ્યો અને વિદેશી ચીજવસ્તુનો બહિષ્કાર થવા લાગ્યો. આ બંને આંદોલનના માધ્યમથી સમગ્ર દેશ એકતાંતણે બંધાતો ગયો.
ફેબ્રુઆરી 1922માં ખેડુતોએ ચોરીચૌરા પોલીસ સ્ટેશનને આગ ચાંપી દીધી જેમાં 22 પોલીસકર્મી જીવતાં ભડથું થઈ ગયા. આ ઘટનાથી દ્રવિત થઈને ગાંધીજીએ અસહકાર આંદોલન સ્થગિત કરી દીધું. આ અરસામાં જ એકમેકથી તદ્દન સામા છેડાની વિચારધારા ધરાવતા બે સંગઠનો એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભારતીય સામ્યવાદી પક્ષની સ્થાપના થઈ.
એ વખતે કોંગ્રેસ પૂર્ણતઃ ગાંધીજીના પ્રભાવ હેઠળ હતી. જવાહરલાલ નહેરુની અધ્યક્ષતા હેઠળ 1929માં લાહોર અધિવેશનમાં કોંગ્રેસે પૂર્ણ સ્વરાજનો પ્રસ્તાવ પસાર કર્યો. 26 જાન્યુઆરી 1930ના દિવસને સમગ્ર દેશે સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવ્યો.

  • એ દરમિયાન ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, સુખદેવ જેવા ઉદ્દામવાદી ક્રાંતિકારો રશિયાની બોલ્શેવિક ક્રાંતિથી પ્રેરાઈને ભારતમાં મજદૂરો, ખેડૂતોની ક્રાંતિ માટે પ્રયાસરત હતા. તેમણે હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન પક્ષની સ્થાપના કરી. લાલા લજપતરાયના મોત પછી લાઠીચાર્જનો ઓર્ડર કરનાર પોલીસ અધિકારી જે.પી.સાન્ડર્સની ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવે 1928માં હત્યા કરી નાંખી.
  • એ પછી બટુકેશ્વર દત્ત સાથે મળીને ભગતસિંહે 8 એપ્રિલ 1929ના રોજ કેન્દ્રિય વિધાન પરિષદમાં બોમ્બ ફેંકવાનું અપ્રતિમ સાહસ કર્યું. એ વખતે તેમણે ફેંકેલા ચોપાનિયામાં લખ્યું હતું, અમે કોઈનો જીવ લેવા માંગતાં નથી પરંતુ બહેરાઓને સંભળાવવા ધડાકો જરૂરી છે. ભગતસિંહ સહિત સુખદેવ અને રાજગુરુને સાંડર્સ હત્યામાં કસુરવાર ઠરાવીને ફાંસીએ લટકાવી દેવાયા.
  • 1930માં ગાંધીજીએ સાબરમતીથી 240 કિમી દૂર દાંડી સુધી કૂચ કરીને નમક સત્યાગ્રહ કર્યો. મીઠા પર વેરો લાદવાના નિર્ણયનો આ વિરોધ ભારે કારગત નિવડ્યો. દેશભરમાં લોકોએ ભારે મોટા પ્રમાણમાં ગાંધીજીનું સમર્થન કર્યું. અહીંથી જ સવિનય કાનૂન ભંગના પગરણ મંડાયા.
  • ભારતીય જનજીવનના દરેક સ્તરે રાષ્ટ્રીય ચેતના પ્રસરી ચૂકી હતી ત્યારે 1935માં ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ લાવવામાં આવ્યો જેમાં પ્રાંતોને સ્વાયત્તતા આપવામાં આવી. 1937માં થયેલી ચૂંટણીઓમાં 11માંથી 7 પ્રાંતમાં કોંગ્રેસની સરકાર બની.
  • 1939માં દ્વિતિય વિશ્વયુદ્ધનો આરંભ થયો. કોંગ્રેસના નેતા બ્રિટનનું સમર્થન કરીને બદલામાં આઝાદી મેળવવાના મતના હતા. અંગ્રેજોએ મદદ લીધી પણ માંગણી ન સ્વીકારી ત્યારે કોંગ્રેસે તમામ પ્રાંતોમાંથી પોતાની સરકારના રાજીનામા ધરી દીધા.
  • વિશ્વયુદ્ધની સમાપ્તિ પછી મહાત્મા ગાંધીએ ભારત છોડો આંદોલનનો આરંભ કર્યો. તેને ડામવામાં બ્રિટિશ સરકારને ભારે મુશ્કેલી પડી. કેટલાંય વિસ્તારોમાં તો લોકોએ અંગ્રેજી શાસનનો ખુલ્લેઆમ અનાદર કરીને સ્વદેશી સરકાર બનાવી લીધી. જોકે ત્યાં સુધીમાં કોંગ્રેસમાં વૈચારિક સ્તરે ગાંધીજીનો પ્રભાવ ઘટવા લાગ્યો હતો.
  • સુભાષચંદ્ર બોઝે કોંગ્રેસના મુખ્ય નેતાઓ સાથેના મતભેદને લીધે પક્ષ છોડ્યો અને 1941મા જર્મની થઈને તેઓ સિંગાપોર પહોંચ્યા. ત્યાં તેમણે આઝાદ હિન્દ ફોજની રચના કરી. આ ફોજ 1944માં ઈમ્ફાલ અને કોહિમાના રસ્તે ભારત પ્રવેશવામાં નિષ્ફળ રહી અને બહુ મોટી ખુવારી વેઠવી પડી.
  • વિશ્વયુદ્ધ પછી બ્રિટને કોંગ્રેસ અને મુસ્લિમ લીગ સાથે આઝાદી સંબંધે મંત્રણા શરૂ કરી. લીગનો આગ્રહ હતો કે તેને ભારતીય મુસ્લિમોના પ્રતિનિધિ તરીકે સ્વીકારવમાં આવે, પરંતુ કોંગ્રેસે તેનો કોમી વિખવાદનું નિમિત્ત ગણાવીને વિરોધ કર્યો. બંને પક્ષો વચ્ચેના મતભેદને લીધે ખાઈ વધુ પહોળી થતી ગઈ, જેને લીધે મુસ્લિમ લીગના નેતા મહમ્મદઅલી જિન્નાહ આખરે મુસ્લિમો માટે અલગ દેશ પાકિસ્તાનની માગણી પર જીદ કરી બેઠા. અંગ્રેજોએ તેનો ભરપૂર ફાયદો ઊઠાવ્યો.
  • આખરે અંગ્રેજોએ હિન્દુ અને મુસ્લિમો વચ્ચેના અવિશ્વાસનો લાભ ઊઠાવીને દેશના વિભાજનનો નિર્ણય લીધો અને 14 ઓગસ્ટે પાકિસ્તાન તેમજ 15 ઓગસ્ટ 1947ના દિવસે ભારતને સ્વતંત્રતા આપી.
  • 15 ઓગસ્ટ 1947ના દિવસે લાલ કિલ્લા પાસે પ્રથમ વડાપ્રધાન તરીકે જવાહરલાલ નહેરુએ સૌ પ્રથમ વખત તિરંગો લહેરાવ્યો એ સાથે સ્વતંત્ર ભારતના નવા અધ્યાયનો આરંભ થયો.
    15 ઓગસ્ટ 1947ના દિવસે લાલ કિલ્લા પાસે પ્રથમ વડાપ્રધાન તરીકે જવાહરલાલ નહેરુએ સૌ પ્રથમ વખત તિરંગો લહેરાવ્યો એ સાથે સ્વતંત્ર ભારતના નવા અધ્યાયનો આરંભ થયો.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Independence Day (India) Complete Story With Facts | Know About The History And Importance Of 15 August (Swatantrata Diwas)


from Divya Bhaskar https://ift.tt/3gZu6A5
via IFTTT

No comments:

Post a Comment

જીઓ ફોન પર યુટ્યુબ વિડિઓઝ કઈ રીતે ડાઉનડલોડ કરવા

આજ ના સમય ની અંદર જીઓ ફોન એ ભારતીય માર્કેટ ની અંદર ઘણા બધા પ્રખ્યાત ફીચર ફોન છે. અને આ ફોન કાંઈ ઓએસ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. અને આ ફીચર ફ...