છેલ્લા કેટલાક મહિના સુમસામ રહ્યા બાદ દિલ્હીના લાજપતનગર ઓટો સ્ટેન્ડ પર ફરી હલચલ જોવા મળી રહી છે. મુસાફરોની રાહ જોઈ રહેલ લીલા-પીળા રંગની ઓટોરિક્ષાની લાઈન લાગી રહી છે. સામાન્ય રીતે, 15-20 કિ.મી.ની મુસાફરી કર્યા પછી પરત ફરતી આ ઓટો રીક્ષા આ વખતે લગભગ 3000 કિ.મી. સુધીની મુસાફરી કર્યા બાદ પરત ફરી છે.
આ સ્ટેન્ડના લગભગ તમામ રીક્ષાચાલકોનું વતન બિહાર છે. માર્ચમાં જ્યારે કોરોનાના કારણે દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું ત્યારે એક-એક કરીને તમામ ઓટો રિક્ષાચાલક પોતાની રીક્ષા લઈને વતન બિહાર ચાલ્યા ગયા હતા. પોતાના જીવનની સૌથી લાંબી ઓટો રિક્ષાની મુસાફરી કર્યા બાદ હવે રિક્ષાચાલકો દિલ્હી પરત ફર્યા છે, પણ તેમની મુશ્કેલીઓનોમાં હજી સુધી કોઈ ઘટાડો થયો નથી.
છેલ્લા 15 વર્ષથી દિલ્હીમાં રીક્ષા ચલાવી રહેલ શેખ માંગન કહે છે કે, 'મેં ગત વર્ષે જ નવી ઓટો રીક્ષા ખરીદી હતી. 70 હજાર રૂપિયા રોકડા ભર્યા હતા હતા અને બાકી રૂ. 14500નો દર મહિને હપ્તો ભરવાનું નક્કી કર્યું હતું. હજી તો માંડ ચાર જ હપ્તા ચૂકવ્યા છે ત્યાં તો કોરોનાના કારણે લોકડાઉન આવી ગયું. આ કારણે છેલ્લા પાંચ મહિનાથી હપ્તો ભરી શક્યો નથી. જે એજન્સી પાસેથી ઓટો રીક્ષા લીધી હતી તે હવે વ્યાજ સહીતની હપ્તાની રકમની ચુકવણી કરવા કહે છે. આવા સમયમાં મને નથી લાગતું કે હું મારી ઓટો રિક્ષાને બચાવી શકીશ.
માંગન જેવી જ હાલત અન્ય પણ ઘણા ઓટો રીક્ષાચાલાકોની છે જેઓ બિહારથી દિલ્હી પરત ફર્યા છે. 36 વર્ષના સુનિલકુમાર કહે છે કે, લોકો હજી પણ ઘરની બહાર નીકળતા ગભરાઈ રહ્યા છે. અત્યારે કામ-કાજ એટલું નથી મળી રહ્યું કે, જેટલું લોકડાઉન પહેલા મળતું હતું. પહેલા દિવસમાં રૂ. 1200 - 1300 જેટલું કમાઈ લેતા હતા. હવે તો દિવસભરમાં રૂ. 400 કમાવવા પણ મુશ્કેલ બની ગયા છે. આટલી ઓછી કમાણીમાં હવે તો શું ખાઈએ, શું બચાવીએ, કેવી રીતે હપ્તો ચૂકવીએ અને શું ઘરે મોકલીએ?
આ તમામ લોકો એવા સમયમાં દિલ્હી પરત ફર્યા છે, જ્યારે દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ગામનું સુરક્ષિત વાતાવરણ છોડીને દિલ્હી પરત આવતા કોરોનાનું સંક્ર્મણ થવાનો ડર નથી લાગતો? તે સવાલ પૂછવા બાબતે સુનિલ જણાવે છે કે, 'કોરોના કે અન્ય બીમારીનો ડર ત્યારે જ લાગે છે જ્યારે પેટ ભરેલું હોય. ભૂખ્યા પેટ રહેવાથી મોટો ડર બીજો કોઈ નથી. અમે દિલ્હીથી વતન ઘરે ગયા હતા તો કોરોનાના ડરથી નહિ, પરંતુ ભૂખથી મરી જવાના ડરના કારણે ગયા હતા અને હવે પરત પણ દિલ્હી પહોંચ્યા છીએ ભૂખના કારણે જ.
લોકડાઉન દરમિયાન મહાનગરોમાંથી પોત-પોતાના ગામ પરત ગયેલ પરપ્રાંતિય શ્રમિકો હવે ત્યાંજ પોતાનું ગુજરાન ચલાવવા માટે કામનો વિકલ્પ શોધી રહ્યા છે અને ફરી મહાનગરોમાં પરત ફરવા નથી માંગતા. પરંતુ, દિલ્હીમાં ઓટો રીક્ષા ચલાવતા રિક્ષાચાલકો પાસે અન્ય કોઈ વિકલ્પ નથી. બિહારના કટિહારના રહેવાવાળા મોહમ્મદ નિજામ કહે છે કે, 'પરત ફર્યા તે અમારી મજબૂરી છે. આ ઓટો રીક્ષા લોન પર લીધેલી છે અને પરત ન ફરીએ તો લોનના હપ્તા કેવી રીતે ચૂકવીશું.'
છેલ્લા કેટલાક મહિના બાદ દિલ્હી પરત ફરી રહેલા આ ઓટો રિક્ષાચાલકો સામે હવે ઘણા પડકારો મોઢું ફાડીને ઉભા છે. નિજામ કહે છે કે, 'દિલ્હી સરકારે કહ્યું હતું કે લોકડાઉન દરમિયાન મકાન માલિક ભાડું વસુલ ન કરે, પરંતુ અમારા મકાન માલિક છેલ્લા ચાર મહિનાનું ભાડું પણ માંગી રહ્યા છે. કેટલાક લોકો વિચારી રહ્યા છે કે આ બાબતની ફરિયાદ પોલીસમાં કરીએ, પરંતુ એવો પણ ડર છે કે તેઓ અહીંના સ્થાનિક રહેવાસી છે અને અમીર પણ છે. તેમની સામે ફરિયાદ કરીશું તો અહીંયા કેવી રીતે રહી શકીશું.'
બિહારના આ પરપ્રાંતીય ઓટો રીક્ષા ચાલકો કોરોનાના સમયમાં ચારે તરફથી આર્થિક રીતે ભીંસાઈ રહ્યા છે. છેલ્લા કેટલાક મહિનાથી આવક પણ બંધ છે, પણ ખર્ચા તો ચાલુ જ રહ્યા છે. વધુમાં બિહારમાં આવેલા પૂરના કારણે આ લોકોને ભારે નુકશાન થયું છે. મોહમ્મ્દ નિઝામ કહે છે કે, 'અમે ત્રણ ભાઈ છીએ, હું અહીંયા રીક્ષા ચલાવું છું અને બાકીના બે ભાઈ ગામડે ખેતીવાડી સંભાળે છે. આ વર્ષે મારી કમાણીમાં તો કંઈ છે જ નહિ, સાથે સાથે ગામડે પૂરના કારણે ભાઈઓના ખેતરના પાકને પણ ભારે નુકશાન થયું છે. એવી પરિસ્થિતિ આવી ચુકી છે કે ખાવા માટે પણ કોઈની સામે હાથ લંબાવવો પડી શકે છે.
શેખ માંગન પોતાની પરિસ્થિતિ બાબતે જણાવે છે કે, 'મારી દીકરી 20 વર્ષની છે. છેલ્લા કેટલાક વર્ષોથી એક-એક પૈસો ભેગો કરી રહ્યો હતો જેથી તેના લગ્ન કરાવી શકુ. પરંતુ જે કંઈ પણ બચાવ્યું હતું તે લોકડાઉન દરમિયાન ખર્ચ થઇ ગયો જ્યારે એક પણ રૂપિયાની આવક ન હતી. બિહાર સરકારે એક રૂપિયાની પણ મદદ અમને કરી નથી. આજે પરિસ્થિતિ તેવી છે કે જો રીક્ષાનો હપ્તો ચૂકવી શકીશું નહિ તો એજન્સીવાળા રીક્ષા પરત લઇ લેશે.
માંગન વધુમાં જણાવે છે કે દક્ષિણી દિલ્હીમાં જ તેમના ગામના 35 જેટલા ઓટો રીક્ષાચાલકો રહે છે અને ચંપારણ જિલ્લાના પણ લગભગ 200 જેટલા લોકો રહે છે. સમગ્ર બિહારના એક હજાર જેટલા ઓટો રીક્ષાચાલકો રીક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતા હશે. અત્યારે એવી પરિસ્થિતિ આવી છે કે સરકારની મદદ વગર ફરી બેઠા થઇ શકીએ તેમ છીએ નહિ. લોકડાઉન દરમિયાન જે હપ્તાની ભરવામાં આવ્યા નથી તેના પર વ્યાજ માફી આપવામાં આવે અને તે લોકડાઉન દરમિયાનનું મકાનનું ભાડું પણ માફ કરવામાં આવે તેવી ઓટો રીક્ષાચાલકો માંગ કરી રહ્યા છે.
સુનિલકુમાર વધુમાં જણાવે છે કે, અમે લોકો હપ્તાની ચુકવણી કર્યા બાદ પોતાનો ખર્ચો નીકાળ્યા બાદ 10 થી 11 હજાર જેટલા રૂપિયા દર મહીને ઘરે મોકલતા હતા. પરંતુ આ વખતે દિલ્હી પરત ફર્યાને એક મહિનો પૂર્ણ થવા આવ્યો પણ હજી તો એક હપ્તાની રકમ જેટલી પણ કમાણી થઇ નથી. એવામાં પાછળના હપ્તા, તેનું વ્યાજ અને બાકીનો ખર્ચો કેવી રીતે કાઢીશું. આ વખતે તો ઘરેથી રૂપિયા મંગાવવા પડશે તેવી સ્થિતિ સર્જાઈ છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2PKu7fg
via IFTTT
No comments:
Post a Comment