Friday, August 14, 2020

1947માં 10 ગ્રામ સોનાની કિંમત 89 રુ.થી ય ઓછી હતી, આજે એટલાંમાં 2 લીટર દૂધ પણ નથી આવતું

મારી પાસે 27 પૈસા છે તો હું એનું શું કરું? તમે કહેશો કે ભાઈ એ તો વર્ષો પહેલાં બંધ થઈ ગયા છે. તમે સાચું જ કહી રહ્યા છો. એ પૈસાનું આજે ભલે કોઈ મૂલ્ય ન હોય પણ સ્વાતંત્ર્ય દિને, એટલે કે 15 ઓગસ્ટ 1947ના દિવસે આટલાં પૈસામાં 1 લીટર પેટ્રોલ ખરીદી શકાતું હતું. આજે જેટલાં રૂપિયામાં 1 લીટર પેટ્રોલ મળે છે એટલી રકમમાં એ વખતે 10 ગ્રામ સોનુ ખરીદી શકાતું હતું. આજના પેટ્રોલના એક લીટરના ભાવમાં તો એ જમાનામાં દિલ્હીથી મુંબઈ ટ્રેન દ્વારા ચાર વખત યાત્રા થઈ શકતી હતી.

આજે આપ એક દિવસમાં 249 રુ. કે એથી વધુ રકમ ખર્ચી નાંખો છો, પણ એ જમાનામાં સરેરાશ નાગરિકની એ વાર્ષિક આવક હતી. છેલ્લાં 73 વર્ષમાં દેશમાં અનેક ક્ષેત્રે પરિવર્તન આવ્યું છે. આઝાદીના સમયે દેશમાં શું સ્થિતિ હતી અને આજે શું છે? આ રહ્યો તેનો વિગતવાર જવાબ...

1. છેલ્લાં 73 વર્ષમાં કેટલી વધી દેશની વસ્તી?

1947માં જ્યારે આપણને અંગ્રેજો પાસેથી આઝાદી મળી ત્યારે દેશની વસ્તી હતી ફક્ત 34 કરોડ. આઝાદી પછી 1951માં પહેલી વાર વસ્તી ગણતરી થઈ હતી. એ વખતે દેશની વસ્તી 34થી વધીને 36 કરોડ નોંધાઈ હતી. આઝાદી વખતે ભારતનો સાક્ષરતા દર ફક્ત 12 ટકા હતો, એ પણ 1951 સુધીમાં વધીને 18 ટકા થયો.

હાલમાં છેલ્લી વસ્તી ગણતરી 2011માં થઈ હતી. એ વખતે દેશની વસ્તી 121 કરોડથી વધુ હતી. સાક્ષરતા દર પણ વધીને 74 ટકા નોંધાયો હતો. અર્થાત્, આઝાદીના સમયે દેશમાં ફક્ત 12 ટકા લોકો જ ભણી શકતાં હતાં, હવે તેમાં નોંધપાત્ર વધારો થયો છે.

આ ઉપરાંત આધાર કાર્ડ નિયત કરતી સંસ્થા UIDAI પણ વખતોવખત વસ્તીના આંકડા જાહેર કરે છે. એ મુજબ, મે 2020 સુધીમાં દેશની વસ્તી 137 કરોડથી વધી ચૂકી છે. હવે જો હિસાબ માંડો તો કહી શકાય કે આઝાદી પછી દેશની વસ્તીમાં 4 ગણો વધારો થયો છે.

એક ધારણા એવી પણ છે કે 2050 સુધીમાં ભારત દુનિયાના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશોની યાદીમાં નં. 1 પર હશે. હાલ ચીન પછી ભારતનો ક્રમ બીજો છે.

2. 73 વર્ષમાં કેટલો વધ્યો દેશનો GDP?
કોઈપણ દેશની આર્થિક ક્ષમતા જાણવા માટે સૌથી વધુ આધારભૂત માપદંડ GDP ગણાય છે. એવું કહેવાય છે કે અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે દુનિયાની GDPમાં ભારતનો હિસ્સો 22 ટકા હતો.

મતલબ કે 18મી સદી સુધીમાં ભારતનો GDP સમગ્ર દુનિયામાં સૌથી વધુ હતો. પરંતુ અંગ્રેજોની શોષણખોર નીતિને લીધે દેશનો GDP સતત ઘટતો ગયો. જ્યારે અંગ્રેજોની ચૂંગાલમાંથી દેશ આઝાદ થયો ત્યારે GDP 2.70 લાખ કરોડ રુપિયા હતો. એ વખતે દુનિયાના કુલ GDPમાં ભારતનો હિસ્સો ફક્ત 3 ટકા થઈ ચૂક્યો હતો.

પરંતુ આઝાદી પછી આજ સુધીમાં ભારતનો GDP 55 ગણાથી ય વધુ વૃદ્ધિ પામ્યો છે. 2019-20માં GDP 147.79 લાખ કરોડ હોવાનું અનુમાન છે. આજે ભારત દુનિયાની 5મા નંબરની સૌથી મોટી આર્થિક તાકાત મનાય છે અને દુનિયાના GDPમાં ભારતનો હિસ્સો 4 ટકાથી વધુ છે.

3. આઝાદીના 73 વર્ષમાં સરેરાશ ભારતીયની કમાણી કેટલી વધી?
આજે 249 રુ.માં એક સારા પ્લાનવાળો મોબાઈલ રિચાર્જ પણ નથી મળતો. કેટલાંક લોકોની તો રોજની હાથખર્ચી જ 249 રુ.થી વધુ હોય છે. પરંતુ દેશ જ્યારે આઝાદ થયો ત્યારે સરેરાશ ભારતીયની વાર્ષિક આવક રુ. 249 જ હતી.
જોકે એ પણ નોંધવું પડે કે, આઝાદીથી આજ સુધીમાં સરેરાશ ભારતીયની વાર્ષિક આવકમાં 542 ગણો વધારો થયો છે. હાલ દેશની માથાદીઠ વાર્ષિક આવક 1 લાખ 35 હજાર 50 રુ. જેટલી છે. મતલબ કે, દર મહિને 11 હજાર 254 રુપિયા.

4. આઝાદી પછી દેશમાં ગરીબી કેટલી ઘટી?
હવે એ તો સમજી શકાય છે કે આવક વધી છે તો ગરીબીના પ્રમાણમાં પણ ઘટાડો થયો જ હોય. તો પણ આંકડાઓ દ્વારા એ સમજવાનો પ્રયત્ન કરીએ કે આઝાદી પછી 73 વર્ષમાં ગરીબીમાં કેટલો ઘટાડો થયો. જ્યારે દેશ આઝાદ થયો ત્યારે કુલ વસ્તીના 80 ટકા લોકો એટલે કે 25 કરોડની વસ્તી ગરીબી રેખા નીચે જીવતી હતી.

1956 પછી ગરીબોની સંખ્યા અંગે પદ્ધતિસર નોંધણી શરૂ થઈ. બી.એસ.મિન્હાસ પંચે આયોજન પંચને એક અહેવાલ સોંપ્યો હતો. એ મુજબ એવું અનુમાન હતું કે 1956-57માં દેશમાં 65 ટકા લોકો એટલે કે 21.5 કરોડ લોકો ગરીબી રેખા હેઠળ જીવતાં હતાં.

સરકારે પણ ગરીબી રેખાની એક પરિભાષા નિશ્ચિત કરેલી છે, જે દર્શાવે છે કે કોણ ગરીબી રેખા હેઠળ ગણાય અને કોણ નહિ. એ મુજબ, શહેરી વિસ્તારમાં રહેતાં કોઈ વ્યક્તિની માસિક આવક રુ. 1000 કે તેથી વધુ છે તો એ ગરીબી રેખા હેઠળ ગણાય નહિ. એ જ રીતે ગ્રામ્ય વિસ્તારમાં રહેતાં વ્યક્તિની માસિક આવક 816 રુ.થી વધુ હોય તો એ ગરીબી રેખા હેઠળ ગણાતો નથી.

હવે આંકડાઓ જોઈએ. ગરીબી રેખાના સૌથી લેટેસ્ટ આંકડા 2011-12 સુધીના જ પ્રાપ્ય છે. એ મુજબ, દેશની 26.9 કરોડ વસ્તી હજુ પણ ગરીબી રેખા હેઠળ છે. મતલબ કે, 22 ટકા વસ્તી હજુ ય ગરીબ છે. એ જોતાં આઝાદી પછી 58 ટકા લોકો ગરીબી રેખાની બહાર આવ્યાં છે.

5. સોનાની કિંમતમાં 73 વર્ષમાં કેટલો વધારો થયો?
એ તો બહુ જાણીતી વાત છે કે એક સમયે ભારતને સોનાની ચિડિયા કહેવામાં આવતો હતો. તેનું કારણ એ હતું કે દેશના પ્રત્યેક ઘરમાં સોનું અવશ્ય હતું. આજે પણ દુનિયાના કેટલાંય દેશોના જીડીપી કરતાં ય વધુ સોનું આપણાં મંદિરોમાં સંઘરાયેલું છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ડેટા મુજબ, ભારતના ઘરો અને મંદિરોમાં આશરે 25 હજાર ટન સોનું સંઘરાયેલું પડ્યું છે, જેની કિંમત 75 લાખ કરોડ રુપિયાથી પણ વધુ થાય છે.
સોના પ્રત્યેના ભારતીયોના પરંપરાગત આકર્ષણનું એક કારણ એ પણ છે કે તેની કિંમતમાં સતત વધારો થતો હોય છે. એટલે જરૂરિયાત મુજબ સોનું ગિરવે મૂકીને રોકડ રકમ મેળવવી આસાન છે.
હવે એ પણ જાણીએ કે આઝાદી સમયે 10 ગ્રામ સોનાની કિંમત ફક્ત 88.62 રુ. હતી. જ્યારે કે આજે સોનાની પ્રતિ 10 ગ્રામ કિંમત 54 હજાર રુપિયાથી વધુ છે.
મતલબ કે, 1947માં આપણે જેટલી રકમમાં 10 ગ્રામ સોનું ખરીદી શકતાં હતાં, આજે એટલી જ રકમમાં 2 લીટર દૂધ પણ નથી મળતું. કારણ કે આજે 1 લીટર દૂધની કિંમત પણ સરેરાશ 50 રુ. જેટલી છે.

6. 73 વર્ષમાં પેટ્રોલની કિંમત કેટલી વધી?
સોના પછી પેટ્રોલની વાત. પરંતુ તે પહેલા તમને જણાવી દઈએ કે આઝાદી સમયે આપણે ત્યાં કેટલી ગાડીઓ હતી. મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ ગાડીઓના રજિસ્ટ્રેશનનો ડેટા 1951થી રાખી રહ્યું છે. તે સમયે દેશમાં 3 લાખની આસપાસ ગાડીઓ રજિસ્ટર્ડ હતી. એટલે કે આઝાદી સમયે 3 લાખથી ઓછી ગાડીઓ આપણા દેશમાં હતી. હાલ 30 કરોડથી વધારે ગાડીઓ રજિસ્ટર્ડ છે.

આ વર્ષોમાં ન માત્ર ગાડીઓ પરંતુ પેટ્રોલની કિંમતમાં પણ વધારો થયો. આઝાદી સમયે માત્ર 27 પૈસામાં એક લીટર પેટ્રોલ મળતું હતું. પરંતુ આજે લીટર પેટ્રોલના 80 રૂપિયાથી પણ વધારે થઈ ગયા છે. આ હિસાબે આઝાદીથી લઈ અત્યાર સુધીમાં આપણે ત્યાં પેટ્રોલ 300 ગુણું મોંઘું થઈ ગયું છે.

7. 73 વર્ષમાં રેલવે યાત્રી વધ્યા? ભાડું કેટલું વધ્યું?
1 એપ્રિલ 1853ના દિવસે આપણા દેશમાં પ્રથમ ટ્રેન ચાલી. તે પ્રથમ ટ્રેન હતી જેણે મુંબઈથી થાણે વચ્ચેનું 33.6 કિમીનું અંતર કાપ્યું હતું. ત્યાર બાદ ધીમે ધીમે રેલવે લાઈન વધતી ગઈ અને રેલવે ભારતની લાઈફલાઈન બની ગઈ. લાઈફલાઈન એટલા માટે કારણે કે ટ્રેન એવું માધ્યમ છે જેના દ્વારા રોજ કરોડો યાત્રી મુસાફરી કરી શકે છે.

જ્યારે ભારત-પાકિસ્તાનના ભાગલા પડ્યા, ત્યારે રેલવે એકમાત્ર એવું હતું જેના દ્વારા લોકો ભારતથી પાકિસ્તાન અને પાકિસ્તાનથી ભારત આવી રહ્યા હતા. હાલ કોરોના મહામારીના કાળમાં પ્રવાસી મજૂરોને રેલવેએ જ ઘરે પહોંચાડવાનું કામ કર્યું છે.

તેને લાઈફલાઈન કહેવાનું કારણ એ પણ છે કે તેની સફર કરનાર મુસાફરોની સંખ્યા દર વર્ષે વધી રહી છે. 1950-51માં ટ્રેન વર્ષમાં 128 કરોડ લોકો મુસાફરી કરતા હતા. જેની સંખ્યા 2018-19માં વધીને 843 કરોડથી વધી ગઈ છે. આટલા વર્ષોમાં ટ્રેનથી મુસાફરી કરનાર લોકોની સંખ્યા 6.5 ગણી વધી છે.

મુસાફરોની સંખ્યા વધી છે. મોંઘવારી પણ વધી છે. રેલવે નેટવર્ક વધ્યું છે. સ્વાભાવિક છે કે ભાડું પણ વધે. તો સમજો કે 1950-51માં રેલવે દર કિમી પર 1.5 પૈસા ભાડું લેતી હતી. જ્યારે 2018-19માં દર કિમીએ 44 પૈસાથી વધારે ભાડું લે છે. આ હિસાબે રેલવેનું ભાડું 30 ગણું વધ્યું છે.

રેલવેની આવકની વાત કરીએ તો 1950-51માં રેલવેને મુસાફરો પાસેથી 98 કરોડ રૂપિયા વર્ષનું રેવન્યૂ મળતું હતું. 2018-19માં વર્ષનું 50 હજાર કરોડ રેવન્યૂ આવ્યું.

8. 73 વર્ષમાં કેન્દ્ર સરકારનો ખર્ચ કેટલો વધ્યો?
બધુ વધી જ રહ્યું છે તો કેન્દ્ર સરકારના ખર્ચ ઉપર નજર કરી લઈએ. જ્યારે આપણે આઝાદ થયા ત્યારે આપણું પ્રથમ બજેટ આવ્યું. આઝાદ ભારતનું તે પ્રથમ બજેટ 15 ઓગસ્ટથી 31 માર્ચ 1948 સુધીનું હતું. આ બજેટમાં સરકારે 197 કરોડ રૂપિયા રાખ્યા હતા.

ત્યાર પછી આપણા દેશના બજેટમાં સાડા પંદર હજાર ગણાથી વધુ વધારો થયો છે. 2020-21માં નાણા મંત્રી નિર્મલા સીતારમણે જે બજેટ રજૂ કર્યું હતું તેમા સકરારે 30.42 લાખ કરોડ રૂપિયા રાખ્યા હતા. આ પૈસા આપણી હેલ્થ, અભ્યાસ, દેશની સુરક્ષા, વિકાસ અને અન્ય જગ્યાએ ખર્ચાશે.

9. 73 વર્ષમાં ડોલરની સરખાણીમાં રૂપિયો કેટલો નબળો પડ્યો?
તમે સાંભળ્યું હશે કે આઝાદીના સમયે 1 ડોલરની વેલ્યુ 1 રુપિયા બરાબર હતી. પરંતુ સરકારી આંકડામાં એવો કોઈ ઉલ્લેખ મળતો નથી. વિશ્વની સૌથી જૂની ટ્રાવેલ કંપની છે થોમસ કુક. જૂની એટલા માટે કારણ કે 1881માં તે શરૂ થઈ હતી. તે કંપની ફોરેન એક્સચેન્જની સર્વિસ આપે છે. એટલે કે ડોલરના બદલામાં રૂપિયા અને રૂપિયાના બદલામાં ડોલર.

આ કંપનીની વેબસાઈટ ઉપર ડેટા ઉપલબ્ધ છે. તે જણાવે છે કે આઝાદી સમયે 1 ડોલરની કિંમત 3 રૂપિયા 30 પૈસા હતી. આજે એક ડોલરની વેલ્યુ74 રુપિયા 79 પૈસા છે. એટલે કે આઝાદી પછી ડોલરની સરખામણીમાં રૂપિયો 23 ગણો નબળો પડ્યો છે.

હવે જરા એ પણ સમજી લો કે રૂપિયો નબળો થવાની અસર શું થાય છે? કારણ કે તેની અસર માત્ર દેશની સરકાર પર નહીં પરંતુ લોકો ઉપર પણ પડે છે. કેવી રીતે? તો એ એટલા માટે કારણ કે વિશ્વભરના વેપારની એકજ કરન્સી છે તે છે ડોલર. જો આપણે વિદેશમાં કંઈ પણ ખરીદવું છે તો તો તેનીં કિંમત ડોલરમાં આપવી પડશે. તેનાથી મોંઘવારી વધે છે.

10. 73 વર્ષમાં ફોરેન એક્સચેન્જ રિઝર્વ કેટલું વધ્યું?

રૂપિયો નબળો થવાની અસર આપણા ફોરેન એક્સચેન્જ રિઝર્વ પર પડી છે. વાસ્તવમાં દરેક દેશ પાસે વિશ્વના બીજા દેશની કરન્સી રિઝર્વ હોય છે. તેના દ્વારા દરેક દેશ એક્સપોર્ટ ઈમ્પોર્ટ કરે છે. તે રિઝર્વને ફોરેન એક્સચેન્જ રિઝર્વ કહે છે.

આઝાદી સમયે દેશમાં કેટલી ફોરેન એક્સચેન્જ રિઝર્વ હતી, તે આંકડા મળી શક્યા નથી. પરંતુ 1950-51 પછી ડેટા રાખવામાં આવ્યા છે. તે મુજબ આપણા દેશમાં 1 હજાર 29 કરોડ રૂપિયા ફોરેન એક્સચેન્જ રિઝર્વ હતું. 2018-19માં આપણી પાસે 28.55 લાખ કરોડ રૂપિયા રિઝર્વ હતા. આટલા વર્ષોમાં આપણી ફોરેન કરન્સી રિઝર્વ 2.5 હજાર ગણી વધી છે. તે આર્થિક સંકટમાં દરેક દેશને કામ લાગે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
In 1947, the price of 10 grams of gold was less than Rs 89


from Divya Bhaskar https://ift.tt/3gYJexB
via IFTTT

No comments:

Post a Comment